Thursday, November 14, 2019

બાળપણ


બાળપણ





   તા. ૧૪ નવેમ્બર એટલે બાળદિન. અને તે બાળકની વયમાં વીતેલું જીવન એટલે બાળપણ. બાળપણ આ એક એવો શબ્દ કે જેને લોકો જીવનના અંત સુધી ન ભૂલી શકે. બાળપણ એ જીવનનો એક અનન્ય હિસ્સો છે. જીવનનાં આ તબક્કા(બાળપણ) ને કદાચ માનવીનાં જીવનનો સુવર્ણકાળ કહેવામાં આવે ને તો પણ કાંઈ ખોટું ન કહેવાય. જ્યાં કોઈની સાથે મસ્તી કરવા વિચારવું ન પડે. મિત્રો સાથે કદાચ ઝઘડો થાય ત્યારે કીટા...કીટા... કરીને બે દિવસ નહીં બોલી પછી બુચ્ચા... બુચ્ચા... કરીને ફરીથી ભેગા સાથે મળીને રમવું, આ મજા અને આવી કીટા... બુચ્ચા... જ બાળકોને ભેગા કરાવી દેતી.
  એ બાળપણ જ એવું હતું કે જેને આપણે ક્યારેય ન ભુલાવી શકીએ. ત્યારે મિત્રો સાથે હળી-મળીને નાસ્તો કરવાનો. અત્યારે બધા કહે છે કે સાથે બેસીને એકથાળીમાં જમીએ તો પ્રેમ વધે. પરંતુ બાળપણના એ દિવસોમાં આપણે શાળાએ જતા ત્યારે બાલમંદિર જઈએ તેમ કહેવાતું. આ બાલમંદિર જઈએ ત્યારે ઘરેથી નાસ્તાનો નાનો ડબ્બો ભરી દે જેને ભાગ કહેવાય. ત્યારે ભણતા-ભણતા રિશેષ ક્યારે પડશે તેની રાહ જોવાતી હોય. અને જેવી રિશેષ પડે કે  ત્યારે બધા પોત-પોતાનો નાસ્તો કાઢીને બેસતાં. અને આ નાસ્તો ભેગો કરી જેને જે ભાવે એ સાથે મળીને ખાઈને આનંદ કરતાં. આ સાથે મળીને જમીએ ત્યારે પ્રેમ વધે તે વાત આપણા બાળપણના જ આ કિસ્સાઓથી સાર્થક થાય છે. તેથી જ બાળપણમાં ત્યારે સાથે બેસીને નાસ્તો કરેલા મિત્રો ભલે આપણાથી દુર હોય પરંતુ હંમેશા દિલની ખુબ જ નજીક હોય છે. અને આ અતુટ મિત્રતા આનું જ ઉમદા ઉદાહરણ છે.
  હા... એ જ બાળપણના દિવસો કે જ્યાં સવારે વહેલા ઉઠીને મિત્રો સાથે એકબીજાના હાથ પકડી શાળે જવાનું. રસ્તામાં મળે તેની સાથે મજાક-મસ્તી કરવાની. શાળામાં બેઠા બેઠા રજા ક્યારે પડે તેની રાહ જોવાની. રજા પડે એટલે ઘરે આવીને દફતર બાજુએ મૂકી રમવા જવાનું. બેટ અને દડે રમવામાં જ લગભગ બાળપણનો હિસ્સો પસાર થઇ ગયો. અને એક અત્યારનાં જમાનાનું બાળપણ વેકેશનમાં સમર કેમ્પ, દિવાળી વેકેશનમાં ફરવાનું અને રજાનાં દિવસોમાં મોબાઈલ ગેમ. હવે ગ્રાઉન્ડમાં નાના છોકરાઓ બેટ-દડે(ક્રિકેટ) રમતા ભાગ્યે જ જોવા મળે છે.
  આપણે નાના હતા ત્યારે વાર્તા રે વાર્તા... નામની વાર્તાની પંક્તિઓ આપણા બા સંભળાવતાં. ત્યારે હવે ભાભા ઢોર ચારતા નથી ને બા પાસે કોઈ વાર્તા નથી... કારણ કે આ બધું જ અત્યારે મોબાઈલ ગળી ગયો છે.
અને બસ અંતે એટલું વિચારો કે....
એ બાળપણના દિવસો ચાલે છે, સાંજનાં પાંચ વાગ્યા છે...
તમે ઘરેથી બેટ લઈને દોડતાં-દોડતાં જાવ છો, પાછળથી મમ્મી ખીજાયને રાડો પાડે છે કે લેશન(હોમવર્ક) પૂરું કરીને જા...
ત્યારે તે સમયે,
 ન તો કોઈ સંબંધોની મગજમારી, ન કાઈ નોકરી, ધંધા કે ભણવાની મગજમારી..!!!
 બસ જો... એ જ આપણા જમાના(બાળપણ)નાં ગોલ્ડન દિવસો હતાં...(ઈન્ટરનેટ વગરનાં)...
અને હા... એટલું યાદ રાખજો કે જિંદગીના પુસ્તકમાં દોસ્ત, સૌથી સારું ચેપ્ટર બાળપણ નું જ હોય છે.

                                            - ધવલ આચાર્ય પ્રિન્સ

1 comment:

  1. Vah bhai vah...jordar

    Pela 10 frds bhega thata tyare ek ball levama paisa khutta hata....

    Atyare ball lai saki chi...too 10 frds bhega nthi thata....

    ReplyDelete