બાળપણ
તા. ૧૪ નવેમ્બર એટલે
બાળદિન. અને તે બાળકની વયમાં વીતેલું જીવન એટલે બાળપણ. બાળપણ આ એક એવો શબ્દ કે
જેને લોકો જીવનના અંત સુધી ન ભૂલી શકે. બાળપણ એ જીવનનો એક અનન્ય હિસ્સો છે.
જીવનનાં આ તબક્કા(બાળપણ) ને કદાચ માનવીનાં જીવનનો સુવર્ણકાળ કહેવામાં આવે ને તો પણ
કાંઈ ખોટું ન કહેવાય. જ્યાં કોઈની સાથે મસ્તી કરવા વિચારવું ન પડે. મિત્રો સાથે
કદાચ ઝઘડો થાય ત્યારે “કીટા...કીટા...” કરીને બે દિવસ નહીં
બોલી પછી “બુચ્ચા...
બુચ્ચા...”
કરીને ફરીથી ભેગા સાથે મળીને રમવું, આ મજા અને આવી “કીટા... બુચ્ચા...” જ બાળકોને ભેગા
કરાવી દેતી.
એ બાળપણ જ એવું હતું કે જેને આપણે ક્યારેય ન ભુલાવી શકીએ. ત્યારે મિત્રો
સાથે હળી-મળીને નાસ્તો કરવાનો. અત્યારે બધા કહે છે કે સાથે બેસીને એકથાળીમાં જમીએ
તો પ્રેમ વધે. પરંતુ બાળપણના એ દિવસોમાં આપણે શાળાએ જતા ત્યારે બાલમંદિર જઈએ તેમ
કહેવાતું. આ બાલમંદિર જઈએ ત્યારે ઘરેથી નાસ્તાનો નાનો ડબ્બો ભરી દે જેને “ભાગ” કહેવાય. ત્યારે
ભણતા-ભણતા રિશેષ ક્યારે પડશે તેની રાહ જોવાતી હોય. અને જેવી રિશેષ પડે કે ત્યારે બધા પોત-પોતાનો નાસ્તો કાઢીને બેસતાં.
અને આ નાસ્તો ભેગો કરી જેને જે ભાવે એ સાથે મળીને ખાઈને આનંદ કરતાં. આ સાથે મળીને
જમીએ ત્યારે પ્રેમ વધે તે વાત આપણા બાળપણના જ આ કિસ્સાઓથી સાર્થક થાય છે. તેથી જ
બાળપણમાં ત્યારે સાથે બેસીને નાસ્તો કરેલા મિત્રો ભલે આપણાથી દુર હોય પરંતુ હંમેશા
દિલની ખુબ જ નજીક હોય છે. અને આ અતુટ મિત્રતા આનું જ ઉમદા ઉદાહરણ છે.
હા... એ જ બાળપણના દિવસો કે જ્યાં સવારે વહેલા ઉઠીને મિત્રો સાથે એકબીજાના
હાથ પકડી શાળે જવાનું. રસ્તામાં મળે તેની સાથે મજાક-મસ્તી કરવાની. શાળામાં બેઠા
બેઠા રજા ક્યારે પડે તેની રાહ જોવાની. રજા પડે એટલે ઘરે આવીને દફતર બાજુએ મૂકી
રમવા જવાનું. બેટ અને દડે રમવામાં જ લગભગ બાળપણનો હિસ્સો પસાર થઇ ગયો. અને એક
અત્યારનાં જમાનાનું બાળપણ વેકેશનમાં સમર કેમ્પ, દિવાળી વેકેશનમાં ફરવાનું અને
રજાનાં દિવસોમાં મોબાઈલ ગેમ. હવે ગ્રાઉન્ડમાં નાના છોકરાઓ બેટ-દડે(ક્રિકેટ) રમતા
ભાગ્યે જ જોવા મળે છે.
આપણે નાના હતા ત્યારે “વાર્તા
રે વાર્તા...”
નામની વાર્તાની પંક્તિઓ આપણા બા સંભળાવતાં. ત્યારે હવે “ભાભા ઢોર ચારતા નથી
ને બા પાસે કોઈ વાર્તા નથી...”
કારણ કે આ બધું જ અત્યારે મોબાઈલ ગળી ગયો છે.
અને બસ અંતે એટલું વિચારો કે....
“
એ બાળપણના દિવસો ચાલે છે, સાંજનાં પાંચ વાગ્યા છે...
તમે ઘરેથી બેટ લઈને દોડતાં-દોડતાં જાવ
છો, પાછળથી મમ્મી ખીજાયને રાડો પાડે છે કે લેશન(હોમવર્ક) પૂરું કરીને જા...”
ત્યારે તે સમયે,
ન તો કોઈ સંબંધોની મગજમારી, ન કાઈ નોકરી, ધંધા
કે ભણવાની મગજમારી..!!!
બસ જો... એ જ આપણા જમાના(બાળપણ)નાં ગોલ્ડન દિવસો
હતાં...(ઈન્ટરનેટ વગરનાં)...
અને હા... એટલું યાદ રાખજો કે “જિંદગીના પુસ્તકમાં
દોસ્ત, સૌથી સારું ચેપ્ટર બાળપણ
નું જ હોય છે.”
-
ધવલ આચાર્ય “પ્રિન્સ”

